જાણો, ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણીની શૂન્ય થી કરોડોના વ્યાપાર સુધીની કહાની

એક કહેવત ખુબ પ્રખ્યાત છે કે, સ્વપ્ન એવા જોવા જોઈ કે જે પુરા થઇ શકે, પણ આ કહેવત ને ખોટી પાડે એવા દેશમાં અનેક ધૂની, મહેનતી લોકો છે. જે ફક્ત ને ફક્ત પોતાના આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમ ને જ કર્મ માનીને સતત કામ કરતા રહે છે. આવા જ ધૂની અને મહેનતી આપણા ગુજરાતમાં પણ છે. જેમણે ફક્ત 12000 રૂપિયા પોતાના મિત્રો અને સગા પાસેથી ઉછીના લઈને તે મૂડીથી પોતાના ઘરમાં જ ધંધો શરુ કર્યો.

આ વ્યક્તિ કોઈ નહિ પણ ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણી છે. બિપીનભાઈ હદવાણીની સંઘર્ષ ગાથા ખુબ જ રસપ્રદ અને જોમ, પ્રેરણા અપાવે એવી છે. તો આજે આપણે જાણીએ ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણીની શૂન્ય થી કરોડોના વ્યાપાર સુધીની કહાની.

મૂળ જામકંડોરણા તાલુકાનાં ભાદરા ગામના બિપીનભાઈ નાના એવા ગામડામાં પોતાના ભાઈઓ અને પિતા સાથે ફરસાણની દુકાન ચલાવતા હતા. પરિવાર મોટો અને નાનો ધંધો, તેમનો ધંધો નાના એવા ગામડામાં જ હોવાથી નહી નફો કે નહી નુકસાન એવી પરિસ્થિતિમાં ચાલતો. ગામડામાં ગ્રાહકો ઓછા હોવાથી, ધંધાને મોટો કરવા માટે તેમણે રાજકોટ જેવા મોટા શહેરમાં જઈને ધંધો શરૂ કરવાનું વિચાર્યું. વર્ષ 1990માં તેઓ રાજકોટ સ્થાયી થયા.

પહેલેથી ફરસાણ બનાવવાના શોખીન અને અનુભવ ધરાવતા હોવાથી અને બધા કુટુંબીજનો પણ આ જ વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી, બધા જ પિતરાઇ ભાઈઓએ મળીને ‘ગણેશ’ બ્રાન્ડ નામે ફરસાણની કંપનીની શરૂઆત કરી. એ સમયે પૈસાની વધારે સગવડ નહોતી. માટે બિપીનભાઈએ આ ધંધામાં માત્ર રૂપિયા 8500નું જ રોકાણ કર્યું. અહીં પણ તેમનો ધંધો ચાલવા લાગ્યો. પહેલા ગામડાની દુકાને જે ફરસાણ બનાવી છૂટક કે પસ્તીમાં વીંટાળી આપતા, હવે એ જ ફરસાણને ગણેશ બ્રાંડના પેકિંગમાં લોકો સુધી પહોંચાડતા હતા. તેઓ ગણેશ બ્રાંડ અંતર્ગત બધુ જ ફરસાણ બનાવતા અને બધું જ ફરસાણ પેકીંગમાં દુકાનો સુધી પહોંચાડતા હતા.

હવે ગામડેથી આવેલ બિપીનભાઈ માટે રંગીલું રાજકોટ લક્કી સાબિત થયું. એમનો એ ધંધો બધાની મહેનતથી ખૂબ જામી ગયો. માટે એમણે ભવિષ્યનું વિચારીને આ ધંધામાંથી પાર્ટનરશીપ છૂટી કરી અને પોતાનું કરવાનું વિચાર્યું, પણ પોતાનો ધંધો કરવા માટે તો નાણાં અને માણસો બંનેની ખાસ જરૂર પડે જ. બિપિનભાઈ પાસે તો એટલા બધા પૈસા ન હતા કે એ રોકાણ કરી શકે કે, કામ કરવા માટે માણસોને રાખી શકે. ત્યારે એમના પત્ની દક્ષાબેને 1994માં હિંમત આપી અને એમના બહેન-બનેવીએ સાથ-સહકાર આપ્યો.

વગર પૈસે એમના પરિવારની હિંમત અને સાથ મળ્યો એટલે બિપીનભાઈએ પોતાના જ ઘરમાં પરિવારજનોના સાથસહકારથી ફક્ત 12000 રૂપિયાની થોડી વસ્તુઓ ઉધારીથી લાવીને જાત મહેનતે એક ‘ગોપાલ’ બ્રાન્ડ નામે ફરસાણ બનાવીને વેચવાની કંપની શરૂ કરી હતી. પછી તેમણે પાછુ વળી ને ક્યારેય જોયું નહિ.

તેમણે કોઈ મજૂર કે ન કોઈ ફેક્ટરીના ઝંઝટમાં પડ્યા વગર જ પોતાના જ ઘરમાં અને પોતાની જ મહેનતે આ કંપનીને આગળ વધારવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. રોજ સવારે નાસ્તાના બનાવેલા પેકેટનું જાતે માર્કેટિંગ કરતાં અને પછી ઘરે આવીને એમના પરિવારજનોની મદદ લઈને ફરસાણ બનાવવામાં લાગી જતા. ફરસાણ બનાવવું, પેકિંગ કરવું અને ત્યારબાદ ફેરિયાઓ અને નાની-નાની દુકાનો સુધી અને ગામડાઓ સુધી એ પોતે જ માલ પહોંચાડવાનું કામ પણ કરતા હતા. પછી તો મહેનત રંગ લાવી અને જેટલા પેકેટો આપીને આવતા કે જેટલો ઓર્ડર મળતો તેનાથી ડબલ પ્રોડક્ટ બનાવી પેકિંગ કરવા લાગ્યા. ફક્ત બે જ વર્ષમાં અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે હરિપરમાં કારખાનું શરૂ કર્યું. ના બાદ સતત પરીશ્રમ અને લોકોને અવનવી નવી – નવી વાનગીઓ તૈયાર પેકેટમાં પીરસી ને 22 જ વર્ષમાં ગોપાલ બ્રાન્ડનું ટર્નઓવર રૂ. 450 કરોડ પર પહોંચાડ્યું.

આજે ગુજરાતના ઘર-ઘરમાં ગોપાલ નમકીન ખવાય છે, જાણીતું છે. નાનાથી માંડીને મોટા સુધીના દરેક વ્યક્તિને ગોપાલના નમકીન પસંદ આવે છે. ગોપાલ બ્રાન્ડ ની ચવાણાં, મમરા, ફ્રાઈમ્સ અને તીખા ગાંઠિયા ગોપાલના ગાંઠિયા, સિંગ, ચણાની દાળ, સેવ, તીખા-મોરા સેવ-મમરા અને ઘણી બધી બીજી ફરસાણની વાનગીઓ લોકપ્રિય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *